Monday, August 6, 2012

દરિયા પર તરતાં આ અદભુત રિસોર્ટને જોઈ તમે પણ બોલી ઉઠશો Wow!


Jun 22, 2012




લંડન, તા. 22

સમુદ્ર કિનારે સ્થિત હોટેલ્સ અને રિસોટ્ર્સ વિશે સાંભળ્યું હશે, પરંતુ હવે સમુદ્રની લહેરો પર તરતાં રિસોટ્ર્સ પણ જોઈ શકાશે. ટૂંક સમયમાં જ સમુદ્રની લહેરો પર તરતાં સોલર ફ્લોટિંગ રિસોટ્ર્સ આકાર લેશે. એન્જિનિયર્સ અને વિજ્ઞાનીઓની આ કલ્પનાની ડિઝાઇન તૈયાર થઈ ચૂકી છે. સોલર ફ્લોટિંગ રિસોર્ટ સૌર ઊર્જાથી સંચાલિત હશે, તેની છતને સોલર પેનલ્સથી બનાવવામાં આવી છે. રિસોર્ટની લંબાઈ ૬૦ ફૂટ હશે તથા તેમાં છ જણ રહી શકશે. તેમાં અત્યાધુનિક સુવિધાઓ તો હશે જ તથા તે સામાન્ય રિસોર્ટથી હટકે હશે. આવાં દરેક નાના રિસોર્ટમાં કિચન, ડાઇનિંગ રૂમ તથા પાઇલટ રૂમ હશે. હાલ તો આ રિસોર્ટમાં રહેવાનું ભાડું નક્કી કરાયું નથી, પરંતુ આ અનોખા રિસોર્ટની ડિઝાઇનની કિંમત ૧૦ કરોડ પાઉન્ડ છે.
  • ટૂંક સમયમાં જ સૌર ઊર્જાથી સંચાલિત રિસોટ્ર્સ આકાર પામશે
  • ઇટાલિયન ડિઝાઇનર માર્કો પુજોલાંતેએ આ અનોખા રિસોર્ટની ડિઝાઇન તૈયાર કરી છે
  • અન્ડરવોટર 'ઓબ્ઝર્વેશન બલ્બ'માં બેસીને સમુદ્રી દુનિયાનો રોમાંચ માણી શકાશે

આ ડિઝાઇનનો આધાર જેમ્સ બોન્ડની ફિલ્મ 'ધ સ્પાય હુ લવ્ડ મી' અને બાળકોના ટીવી શો 'ઓક્ટોનટ્સ' પરથી લેવામાં આવ્યો હોવાનું મનાય છે.

ખાસિયત
આ રિસોર્ટની ખાસિયત તેનો અન્ડરવોટર 'ઓર્બ્ઝવેશન બલ્બ' છે, જે રિસોર્ટના સૌથી નીચેના ભાગમાં સમુદ્રની સપાટીની નીચે સુધી રાખવામાં આવી છે, તે પારદર્શક હશે, જેથી અહીં આવતાં સહેલાણીઓ સમુદ્રની દુનિયા નિહાળી શકશે, ઉપરાંત ડોલ્ફિન, શાર્ક તથા અન્ય સમુદ્રી જીવોને નજીકથી જોવાનો રોમાંચ મળશે.

પ્રદૂષણમુક્ત રિસોર્ટ
ઇટાલિયન ડિઝાઇનર માર્કો પુજોલાંતેએ આ રિસોર્ટની ડિઝાઇન તૈયાર કરી છે. માર્કોનું માનવું છે કે, તે બધી રીતે જાતે જ વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ અને પ્રદૂષણમુક્ત રિસોર્ટ હશે. વૈભવી નૌકા જેવું આ રિસોર્ટ વધુ લોકોને સમુદ્ર દુનિયા તરફ આકર્ષશે.